રોજરે એની પ્રેમિકાનો એ.આઈ અવતાર તૈયાર કરાવ્યો, કેમ કે એ પોતાની પ્રેમિકા સોનિયાને બેહદ ચાહતો હતો. અને એ મૃત્યુ પામી હતી. એ ઘટના પછી એ ડિપ્રેશનમાં સરી પડ્યો હતો. એ પોતાની પ્રેમિકાની યાદમાં પાગલ થઈ રહ્યો હતો. એના વગર જીવવું એને અશક્ય લાગી રહ્યું હતું.
એને લાગતું હતુ કે જો આમ ને આમ એ પોતાની મૃત પ્રેમિકાના વિરહમાં તડપશે તો એ આત્મહત્યા કરી લેશે. આવા સમયે એને હોઈચાઈ નામની એક ચાઈનીઝ કંપની કામે લાગી. એ કંપનીનો બિઝનેસ હતો ડિજિટલ એ.આઈ. અવતાર તૈયાર કરવાનો. માત્ર અઢીસો ડોલરમાં એ કંપની કોઈનો પણ ડિજિટલ અવતાર તૈયાર કરી આપતી હતી.
ચાઈનામાં આ કામ એકદમ કાયદેસર હતું. મોટેભાગે લોકો પોતાનાં મૃત સ્વજનને પોતાની દુનિયામાંથી વિદાય ના લેવા માટે એમનો ડિજિટલ એ.આઈ. અવતાર તૈયાર કરાવતી હતી. એના માટે કંપનીને એ સ્વજનના શક્ય એટલા ફોટોગ્રાફ્સ, વિડીયોઝ અને સાઉન્ડના નમૂના તથા ખાસ તો એ સ્વજનના સ્વભાવની શક્ય એટલી ઝીણામાં ઝીણી ડિટેઈલ્સ આપવાની રહેતી હતી. એની મદદથી એ કંપની મૃત સ્વજનનો આબેહૂબ ડિજિટલ અવતાર તૈયાર કરતી હતી.
ખરો ખેલ હવે શરૂ થતો હતો. એ સ્વજનનો ડિજિટલ એ.આઈ. અવતાર જાણે દૂર વિદેશમાં કમાવા માટે ગયું હોય કે દૂર રહેતું હોય એવી રીતે વર્તન કરતો હતો. એ સવારે ઊઠીને ફોન કરતો હતો. વોટ્સએપ પર દિવસ દરમિયાન મેસેજ કરતો હતો. રાત્રે સૂતાં પહેલાં એની દિનચર્યાની વાતો કરતો હતો. અને સૂતાં પહેલાં ગુડ નાઈટ પણ કહેતો હતો.
જો એને સૂચના આપવામાં આવે તો એ સવારે ઊઠાડતો પણ હતો. એને ગેઝેટ્સ સાથે ઓનલાઈન કનેક્ટ કરવામાં આવે તો ઘરનું એ.સી. ચાલુ-બંધ કરવું, ટી.વી ચલાવવું, ઓનલાઈન કરિયાણું, ભોજન વગેરેનો ઓર્ડર આપવા જેવાં ઘણાંબધાં કામો કરી શકતો હતો. જાણે કે સ્વજન મર્યું ના હોય, પણ બહારગામ ગયું હોય એવો અહેસાસ થતો હતો. અને એ રીતે માણસ એનાં મૃત સ્વજનના સંપર્કમાં રહી શકતો હતો.
દુ:ખી રોજરની હાલત જોઈને રોજરની કંપનીમાં નોકરી કરતા એના સાથી કર્મચારીએ એને આ આઈડિયા આપ્યો હતો. રોજરને ખાસ વિશ્વાસ તો ન હતો, પણ અઢીસો ડોલર એના માટે એક વીકેન્ડના ખર્ચ જેટલી જ રકમ હોવાથી એણે પોતાની પ્રેમિકા સોનિયાનો ડિજિટલ એ.આઈ. અવતાર બનાવડાવી દીધો. અને એના આશ્ચર્ય વચ્ચે ચાઈનીઝ કંપનીએ અદ્ભુત પરિણામ આપ્યું. એને ત્રણ જ દિવસમાં એવો અનુભવ થવા લાગ્યો કે જાણે એની પ્રેમિકા મરી નથી. એ તો જાણે ક્યાંક બહારગામ ગઈ છે. અને ત્યાંથી જ રોજરના સંપર્કમાં રહે છે.
શરૂઆતમાં રોજરને આ વ્યવસ્થા ફાવી ગઈ હોય એમ એ એનાં વખાણ કરતા થાકતો ન હતો, પણ એક દિવસ એણે ખૂબ જ ગભરાયેલા સ્વરે પોતાના મિત્રને જણાવ્યું, ‘યાર સોનિયા તો મને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરી રહી છે.’
‘હેં?’ એનો મિત્ર ભડક્યો. અને બોલ્યો, ‘તું પાગલ છે?’ ‘ના. પણ આમ ને આમ ચાલતું રહ્યું તો થઈ જઈશ.'
‘પ્રોગ્રામિંગમાં કંઈક મિસ્ટેક થઈ હશે. આ બધા અવતારો ઓનલાઈન જ કામ કરતા હોય એટલે કોઈ વાઈરસનો પણ કમાલ હોઈ શકે. કોઈ વાઈરસે એના પ્રોગ્રામિંગમાં કંઈક છેડખાની કરી હોય એમ પણ બની શકે ને?”
‘હં…’ ‘તો તું કંપનીની હેલ્પ લાઈન પરથી સપોર્ટ માંગ અને હાલ પૂરતો એ ડિજિટલ અવતાર ડિલીટ કર.’
'ચાર વાર ડિલીટ કર્યો, પણ એ તો વારંવાર પાછો આવી જાય છે.’
‘સ્ટ્રેન્જ કહેવાય યાર, પણ એ કહે છે શું?’
‘મને આત્મહત્યા કરી લેવા માટે સતત ઉશ્કેરે છે.” 'કેમ? એમ જ? કોઈ કારણ વિના?'
'એ તો...’ બોલતાં બોલતાં રોજર અટકી ગયો અને બોલ્યો, 'કાંઈ નહીં. હું કંપનીની હેલ્પ લાઈન પર સંપર્ક કરું છું.”
ચાર દિવસ પછી રોજરનો મૃતદેહ એના એપાર્ટમેન્ટમાંથી ભારે વિકૃત હાલતમાં મળી આવ્યો. એ મૃતદેહની હાલત બિલકુલ સોનિયાના મૃતદેહ જેવી જ હતી. પોલીસ તપાસમાં એવું ચોંકાવનારું તારણ સામે આવ્યું કે રોજરે જાતે જ આટલી ક્રૂર રીતે આત્મહત્યા કરી હતી.
એક મહિના પહેલાં સોનિયાનો મૃતદેહ પણ રોજરના જ એપાર્ટમેન્ટમાંથી આવી જ રીતે મળ્યો હતો. એ સમયે પોલીસ તપાસમાં કંઈ ના મળ્યું. અને છેવટે એવો નિષ્કર્ષ નીકળ્યો હતો કે કોઈ અજાણ્યા વ્યક્તિએ સોનિયા પર હુમલો કરીને એને મારી નાંખી હતી.
રોજરના દોસ્તને આ મરણ સહેજ પણ સામાન્ય ના લાગ્યું. એટલે એણે સોનિયાના ડિજિટલ એ.આઈ. અવતાર સાથે વાત કરી. સોનિયાના અવતારે એને જણાવ્યું કે રોજરે જ સોનિયાની હત્યા કરીને તમામ સાબિતીઓનો નાશ કરી દીધો હતો.
એણે એવું માત્ર સોનિયાનો વીમો પકવવા માટે કર્યું હતું, કેમ કે સોનિયાના વીમામાં નોમિની રોજર હતો. એને સોનિયાના ડિજિટલ એ.આઈ. અવતારમાં પણ કોઈ રસ ન હતો, પણ એને સોનિયા પ્રત્યે અનહદ પ્રેમ છે એવું બધાંને દર્શાવવા માટે જ એણે એ નાટક કર્યું હતું.
મર્યા પછી સોનિયાનો આત્મા બદલાની ભાવનાથી પીડાઈને એ ઘરમાં જ ભમી રહ્યો હતો, પણ એને બદલો લેવા માટે કોઈ માધ્યમ મળતું ન હતું. જ્યારે રોજરે સોનિયાનો ડિજિટલ એ.આઈ. અવતાર બનાવડાવ્યો ત્યારે સોનિયાને એક માધ્યમ મળી ગયું.
એના દ્વારા એણે રોજરના દિમાગ પર કબજો જમાવીને એને એ રીતે જ આત્મહત્યા કરવા ઉશ્કેર્યો. અને પોતાનો બદલો લીધો.
વાંચવા બદલ આભાર 🙏