આ દીવાલ પાછળ અનારકલીને જીવતી ચણી દેિવામાં આવી હતી.' 'શું બકે છે?
આ અનારગઢ છે. અહીં અનારકલી ક્યાંથી આવી? મન ફાવે એમ ફેંકાફેંક કરે છે. મને ગાંડો સમજે છે?' વિનાયક અકળાઈને બોલ્યો. જીતુએ સ્મિત સાથે જવાબ આપ્યો, 'હું સાચું કહું છું. આ દીવાલ પાછળ અનારકલીને જીવતી ચણી દેવામાં આવી હતી.'
'ગાંડી જેવી વાતો ના કર.'
'અરે સાહેબ... સાચું કહું છું.' શરારતી સ્વરે જીતુ બોલ્યો. પણ એ પેલા અકબરના દીકરા સલીમના સેટિંગવાળી અનારકલી નહીં. અમારી અહીંની લોકલ અનારકલી.' જીતુ શરારતી સ્વરમાં બોલ્યો. વિનાયકને ગુસ્સે થવું કે હસવું એ ના સમજાતા એ નારાજગી સહિત બોલ્યો, 'આ જોવા માટે મેં બાર હજાર ખર્ચ્યા? આ તો ખંડેર છે. કિલ્લો પણ નથી. કદાચ કોઈક હવેલીનું ખંડેર છે. આ તો પૈસા માથે પડ્યા. મને એમ કે અહીં કંઈક ઈન્ટ્રેસ્ટિંગ જોવા મળશે.
હું ઘણું ફર્યો છું. ફરવાલાયક મોટાભાગનાં સ્થળોએ ફરી વળ્યો છું. મને આ દુનિયા એક્સ્પ્લોર કરવાનો ગાંડો શોખ છે. પણ હવે મને એવાં સ્થળો જોવાનું મન થાય છે, જેમાં કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય. અને એ ચક્કરમાં જ હું ઓનલાઈન વેબસાઈટ પર જાઉં છું. હું એ વેબસાઈટ પરથી ટ્રિપ પ્લાન કરું છું. એમાંથી જ મેં આ ટ્રિપ પ્લાન કરી છે. એમાં તો આ સ્થળ વિશે કંઈક અજબ ગજબ વાતો લખેલી છે.
'એ બરાબર જ છે. તમને મારા ઘરે હોમ સ્ટે કેવો લાગ્યો?' હું એને ફાઈવ સ્ટાર આપીશ, પણ આ ખંડેર, જેને તું કિલ્લો કહે છે. એમાં કંઈ જોવા જેવું નથી.'
'અનારકલી છે ને ?' જીતુએ એક દીવાલ તરફ આંગળી ચીંધીને કહ્યું, 'આ દીવાલ પાછળ અનારકલી છે.'
'લેટ'સ ગો બેક.' બોલીને વિનાયક પાછા જવા માટે ઊભો થયો. એટલે જીતુ બોલ્યો, 'એ દીવાલ પર કાન દઈને સાંભળો તો ખરા. અહીં આવવાના તમારા રૂપિયા વસૂલ થઈ જશે.'
જીતુની વાત સાંભળીને વિનાયક બે પળ માટે એને તાકી રહ્યો. પછી દીવાલ પર કાન લગાવ્યો. અને તરત જ ચોંકીને બે ડગલાં પાછળ હટી ગયો. એના ચહેરા પર આછો ડર હતો. એ બોલ્યો, 'અંદર કોણ છે?'
'શું સંભળાયું?”
"દિલની ધડકન.'
'એ ધડકનમાં એક નામ છે. જીતુ.
‘જીતુ? એ તો તારું નામ છે."
'મારું નામ તો જીતુ છે, પણ એ ધડકનમાં પણ એક નામ છે. જીતુ. પણ એ તમને નહીં સંભળાય. ફેમસ લવસ્ટોરી છે, અમારા ગામની. આજથી પચાસેક વર્ષ પહેલાંની. એ સમયે ગામમાં એક પછાત જાતિનો છોકરો રહેતો હતો. નામ એનું જીતુ. અને એક ઉચ્ચ વર્ગની છોકરી રહેતી હતી. નામ એનું અનાર. એ હતી એટલી રૂપાળી કે ગામ આખું ઘેલું હતું એની પાછળ, પણ અનાર ઘેલી હતી જીતુ પાછળ. જીતુ અનારને પ્રેમથી અનારકલી કહેતો હતો.' 'પછી લવમાં ઊંચ-નીચવાળો એંગલ આવ્યો હશે?
'કરેક્ટ. એના ફેમિલીએ જીતુને ફટકારી ફટકારીને ગામમાંથી ભગાડી મૂક્યો. અનાર વીફરી. એના પેટમાં જીતુનું બાળક હતું. અનારે બાળકને જન્મ આપવાની અને જીતુની પત્ની તરીકે જીવવાનું એલાન કર્યું. એનો પરિવાર છંછેડાયો. અને અનારને સજા આપવા આ દીવાલમાં જીવતી ચણી દીધી.'
'તમે લોકોએ એવી તો કઈ ટ્રિક કરી છે કે આ દીવાલ પાછળથી કોઈકના દિલની ધડકન સંભળાય છે? વિનાયકે ધારદાર સ્વરે પ્રશ્ન કર્યો. જવાબમાં જીતુ એને બે પળ માટે તાકી રહ્યો. પછી બોલ્યો, 'તમે અનારકલીને રૂબરૂ મળો તો મારી વાત સાચી માનશો?' વિનાયક આશ્ચર્યથી એને તાકી રહ્યો. જીતુ બોલ્યો, 'ચલો આપણે પાછા જઈએ, રાત્રે બાર વાગ્યે આવીશું. રાત્રે બાર વાગ્યા પછી અનારકલી દીવાલમાંથી બહાર આવે છે. તમે એને જાતે જ પૂછી લેજો કે મારી વાત સાચી છે કે ખોટી?”
રાત્રે લગભગ સાડા બાર વાગ્યે બંને જણ પાછા એ ખંડેરમાં પ્રવેશ્યા. પૂનમની રાત હોવાથી બધું જ સ્પષ્ટ દેખાતું હતું. સામે જે પથ્થર પર બપોરે વિનાયક બેઠો હતો. ત્યાં એક બેહદ ખૂબસૂરત યુવતી બેઠી હતી. જીતુને જોતા જ એ બોલી ઊઠી, 'જીતુ તું આવી ગયો?' 'હા. આ સાહેબ માનવા તૈયાર જ નથી કે તું ખરેખર છે?
'એમાંના માનવા જેવું શું છે?' બોલીને અનારકલી વિનાયક પાસે આવી. એનું રૂપ જોઈને દિગ્મૂઢ બની ગયેલો વિનાયક સ્વસ્થ થવાનો પ્રયાસ કરતા બોલ્યો, 'તમે લોકોએ અદ્ભુત વ્યવસ્થા કરી છે ટુરિસ્ટોને ઉલ્લુ બનાવવાની.'
'ના હું ખરેખર છું.' બોલીને અનારકલીએ પોતાનું મસ્તક પથ્થર પર એક તરફ મૂક્યું. વિનાયકના રૂંવાડા ઊભા થઈ ગયા. અનારકલીનું મસ્તક બોલ્યું. 'આ જીતુ છે. મારો પ્રેમી. મને દીવાલમાં ચણી દેવાઈ એના મહિના પછી એ પાછો આવ્યો. મારા પૂરા ખાનદાનને એણે ખતમ કર્યું. હું ભૂત બનીને આ ખંડેરમાં ભટકતી હતી. પ્રેત યોનિમાં હોવાને લીધે મને ખૂબ જ પીડા થતી હતી. અસહ્ય ભૂખ લાગતી હતી. પણ હું શિકાર કરવા માટે આ ખંડેરની બહાર જઈ શકું એમ નથી.
આ તો મારો ચંદુ છે, જે મારા માટે અવાર નવાર કોઈને કોઈ શિકાર લઈ આવે છે.' બોલીને અનારકલી વિનાયક પર તૂટી પડી. પંદર-વીસ મિનિટમાં તો વિનાયક એના પેટમાં હતો.
સવારે સાડા ચાર સુધી જીતુ અને અનારકલીએ પ્રેમાલાપ કર્યો. પછી જીતુ બોલ્યો, 'હવે સૂરજ ઊગશે. તું પાછી દીવાલ પાછળ જતી રહે. વેબસાઈટ પર એક નવા મરઘાની ઈન્ક્વાયરી આવી છે. તને જલદી પાછો એક માણસ ખાવા મળશે.
સુપર સ્ટોરી
ReplyDelete