ચિતાની રાખ - Horror Story In Gujarati
પંકજ નાલંદામાં રહે છે. તેની પરિસ્થિતિ ખૂબ ખરાબ હોવાથી તે અત્યંત ચિંતામાં રહેતો હતો.
એક વખત રાત્રે તે મંદિરથી ભગવાનનાં દર્શન કરીને પાછો ફરી રહ્યો હતો. તે જ વખતે ચાલતાં ચાલતાં અચાનક તેને પોતાની સામે એક વૃદ્ધ માણસ દેખાયો. તે માણસે તેને કહ્યું; તારું નામ પંકજ છેને અને તારે બે નાની પુત્રીઓ અને પત્ની છે.
આ સાંભળીને પંકજના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હોય તેવું લાગ્યું. અરે, આને મારા વિશે કેવી રીતે ખબર પડી? તે વ્યક્તિએ પંકજને કહ્યું, તારી તમામ મુશ્કેલીઓ હું દૂર કરી આપીશ જો તું મારા જણાવેલા રસ્તા ઉપર ચાલીશ તો!' પંકજે કહ્યું, 'તમારી ખૂબ મહેરબાની રહેશે જો એવું થશે તો. પેલો વ્યક્તિ બોલ્યો, ઠીક છે, તો સાંભળ. તારે સ્મશાન સાધના કરવી પડશે. તું કાલે રાત્રે બાર વાગ્યા પહેલાં આ જંગલમાં દક્ષિણ દિશા બાજુ ૪ આવજે, પરંતુ ખાલી હાથે નહીં, તારે એક મોટું લાલ કપડું અને એક કાળું કપડું, એક લીંબુ અને સાથે ઘીનો દીવોં લાવવો પડશે અને સૌથી મહત્ત્વપૂર્ણ વાત કોઈને પણ આના વિશે જણાવતો નહીં. કોઈને તારી સાથે લાવતો નહીં.' પંકજે કહ્યું, 'સારું.’
બીજી રાત્રે અગિયાર વાગ્યે પંકજ બધો સામાન લઈને બિલકુલ તૈયાર હતો. તે પેલા વૃદ્ધ માણસે બતાવેલા રસ્તા ઉપર ચાલવા લાગ્યો ત્યાં અચાનક તેની પાછળથી પેલી વ્યક્તિએ બૂમ પાડી અને કહ્યું, “મારી પાછળ- પાછળ આવ.' પંકજ તેની પાછળ ચાલવા લાગ્યો ને થોડીક વાર પછી તેઓ સ્મશાનમાં પહોંચી ગયા. ત્યાં બેસીને પંકજે જોયું તો પેલી વ્યક્તિ એક સળગતી ચિતાની રાખ ઉપર જઈને બેસી ગઈ. પંકજને હવે ડર લાગવા લાગ્યો. પંકજ પણ હવે બેસી ગયો અને પોતે લાવેલો સામાન આપ્યો. તે વ્યક્તિએ લાલ કપડું ત્યાં પાથરી દીધું અને તેની ઉપર લીંબુ રાખીને તેની આજુબાજુ ચિતાની રાખથી એક યંત્રનું ચિત્ર બનાવ્યું અને પછી તે યંત્રના ચિત્રને કાળા કપડાંથી ઢાંકી દીધું પછી તે મનમાં કંઈક મંત્ર બોલવા લાગ્યો. તેણે પંકજને કહ્યું કે, 'તું તારી આંખો બંધ કરી લે અને જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી ઓખો ખોલીશ નહીં.' પંકજ આંખો બંધ કરીને બે હાથ જોડીને બેસી રહ્યો. થોડીક વાર પછી તેને લાગ્યું કે, આટલી બધી ગરમીમાં તેને ઠંડી કેમ લાગી રહી છે? પેલી વ્યક્તિએ કહ્યું હતું આથી તે આંખો બંધ કરીને બેસી રહ્યો, પરંતુ તેને એવું મહેસૂસ થઈ રહ્યું હતું કે કોઈક તેની આજુબાજુમાંથી પસાર થઈ રહ્યું છે. કોઈક સ્ત્રીના પાયલનો અવાજ, જોરથી ચાલવાનો અવાજ, તેનાં રૂંવાડાં ઊભાં કરી રહ્યો હતો.
થોડીક વાર પછી પેલી વ્યક્તિએ તેને આંખો ખોલવા કહ્યું અને એક કાગળની પડીકી આપી અને કહ્યું, આ ચિતાની રાખ છે આને લઈ જઈને તું તારા ઘરના ખૂણામાં મૂકી દેજે. આને બહાર ન ફેંકતો અને રોજ આની સામે ઘીનો દીવો કરજે.
ઘરે જઈ પંકજે તે માણસે કહ્યું હતું તે પ્રમાણે કર્યું. આ બધું કરતાં બે દિવસ પસાર થઈ ગયા અને અચાનક તેમના જીવનમાં અજબઅજબ ઘટનાઓ બનવા લાગી. એક વાર તેને રસ્તામાં ચાલતાં ચાલતાં સોનાની વીંટી મળી, જે બહુ જ કીમતી હતી. બીજી વાર જ્યારે તે સવારે જાગ્યો તો તેના દરવાજા ઉપર નોટોની કેટલીય થપ્પીઓ પડેલી મળી. તે જોતજોતામાં પૈસાદાર માણસ બની ગયો. તેની પાસે કોઈ પણ વસ્તુની કમી ન હતી. બે ગાડીઓ તેના દરવાજા પાસે ઊભી હતી અને તેણે એક મોટું ઘર પણ બનાવી દીધું હતું. તેની ગરીબી પૂરી રીતે પૂર્ણ થઈ ગઈ હતી. તે પોતાના જીવનથી સંતુષ્ટ હતો. હવે સમયના અભાવના કારણે પંકજ પેલી રાખ પાસે દીવો કરવાનો ભૂલી જવા માંડયો.
એક દિવસ પંકજ પત્ની સાથે સૂઈ રહ્યો હતો ત્યાં અચાનક તેની બાજુમાંથી કોઈક પસાર થયું. તેની આંખો ખૂલી ગઈ, તેણે રૂમની લાઈટ ચાલુ કરી અને ચારે બાજુ જોવા લાગ્યો, પરંતુ ત્યાં કોઈ ન હતું. હવે રાતના સમયે તેને દરરોજ ડરામણાં સ્વપ્નો આવવાં લાગ્યાં. જાણે તેને સ્વપ્નમાં સળગતી ચિતા ઉપર એક સ્ત્રી સૂઈ ગયેલી દેખાય છે જે બૂમો પાડી રહી હતી, તડપતી હતી. તેના મોઢા ઉપરથી રંગ ઊડી ગયો. પહેલાંવાળી ખુશી હવે દેખાતી નહોતી.
તેના જીવને ફરીથી પલટો માર્યો. દરેક કામમાં વિઘ્ન આવવા લાગ્યું. દરરોજ રાત્રે તેનો પરિવાર સૂઈ જતો તો દરેકને એક ભયાનક સ્વપ્ન દેખાતું હતું. એક વાર પંકજને લાગ્યું કે તેની બાજુમાં કોઈક સૂઈ ગયું છે અને તેનું ગળું દબાવી રહ્યું છે તેના મોઢામાંથી ચીસ પણ નીકળી શકે તેમ ન હતી. તેના પલંગની આજુબાજુ અને નીચે આત્માઓ દેખાવા લાગ્યા. પંકજે જોરથી ચીસ પાડી. તેનો અવાજ સાંભળીને તેની પુત્રી દોડતી દોડતી રૂમમાં આવી અને કહેવા લાગી શું થયું? આટલી જોરથી ચીસ કેમ પાડી ? ત્યારે પંકજે બધી વાત કરી. આ વાત સાંભળી તેની પુત્રીએ કહ્યું, “કેટલાક દિવસોથી મને પણ આવાં જ સ્વપ્ન દેખાય છે મને બહુ જ ડર લાગી રહ્યો છે.' મને પણ એક સ્ત્રી ચિતા ઉપર સળગતી દેખાય છે. પંકજને પૈસા કમાવાનો ખોટો રસ્તો બહુ જ મોંઘો પડ્યો. તેને થયું કે મારી સાથે શું થઈ રહ્યું છે? ત્યાં અચાનક તેને પેલી વૃદ્ધ વ્યક્તિ યાદ આવી. તેને યાદ આવ્યું કે તેણે પેલી પૂજા કરવાનું જ છોડી દીધું છે કદાચ તેના કારણે જ આ બધું થઈ રહ્યું છે.
તે દિવસે જ તેણે પોતાની નાની પુત્રીને મોટી દીકરીને ત્યાં મોકલી દીધી અને તે અને તેની પત્ની પેલી વ્યક્તિને મળવા ગયા. બસ, તે દિવસે તેઓ ગયાં તે ગયાં હજી સુધી પાછાં આવ્યાં નથી. તેની બંને દીકરીઓએ તેમનાં માતા- પિતાને ખૂબ શોધ્યાં, પણ તેમના વિશે આજદિન સુધી કોઈ જ માહિતી મળી નહીં.
વાંચવા બદલ આભાર 🙏